ભાવનગર જિલ્લામાં રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિતે નવ દિવસીય જનસેવા યજ્ઞનો પ્રારંભ: ભાવનગર શહેર જિલ્લામાં નવા સ્થળોએ જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી

પાંચ વર્ષ આપણી સરકારના: સૌના સાથ, સૌના વિકાસના

કે.જી.બી.વી. ગર્લ્સ હોસ્ટેલ આર.એમ.એસ.એ. સેકન્ડરી સ્કૂલ, આઇ.સી.ટી.લેબ સહિતના પ્રોજેક્ટના રૂ. ૧,૪૨૧ લાખના લોકાર્પણ અને ઉદઘાટન કાર્યક્રમ સાથે જ્ઞાનકુંજ દિવસની ઉજવણી

નવ આઇ.સી.ટી. કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન તેમજ ૨૦૬ પ્રાથમિક શાળાઓમાં ૬૯૩ વર્ગોમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટનો શુભારંભ
-: શિક્ષણ રાજ્યમંત્રીસુશ્રી વિભાવરીબેન દવે:-
- શાળામાં પ્રવેશ માટે ભલામણ કરવી પડે તેવી સ્થિતિનું શિક્ષણ ક્ષેત્રે નિર્માણ કર્યું છે
- અન્ય રાજ્ય અને રાષ્ટ્રના વિદ્યાર્થીઓ ગુજરાતમાં શિક્ષણ લેવા માટે આવે તેવું આમૂલ પરિવર્તન કર્યું છે
- વડાપ્રધાનશ્રીએ ગુજરાતના વિદ્યાર્થીઓને વિશ્વની સ્પર્ધા માટે સક્ષમ બનાવવાનું જે આયોજન કર્યું એને અમે આગળ વધારીને વ્યાપક બનાવ્યું છે

ભાવનગર જિલ્લામાં રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિતે નવ દિવસીય જનસેવા યજ્ઞનો પ્રારંભ ભાવનગર શહેર -જિલ્લામાં નવા સ્થળોએ જ્ઞાન શક્તિ દિવસની ઉજવણી દ્વારા કરવામાં આવ્યો હતો.

જે અંતર્ગત કે.જી.બી.વી. ગર્લ્સ હોસ્ટેલ આર.એમ.એસ.એ. સેકન્ડરી સ્કૂલ, આઇ.સી.ટી.લેબ સહિતના પ્રોજેક્ટના રૂ. ૧,૪૨૧ લાખના લોકાર્પણ અને ઉદઘાટન તેમજ નવ આઇ.સી.ટી. કોમ્પ્યુટર લેબનું ઉદઘાટન તેમજ ૨૦૬ પ્રાથમિક શાળાઓમાં ૬૯૩ વર્ગોમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ ક્ષેત્રે લેવાયેલાં પગલાઓ અને સુધારાત્મક નિર્ણયોને પગલે હવે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે સરકારી શાળામાં પ્રવેશ લેવાં માટે અમારે ભલામણ કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ શિક્ષણ ક્ષેત્ર માટે ઉઠાવેલા પગલાઓ અને તેને પરિણામે શિક્ષણ ક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તનને કારણે આ શક્ય બન્યું છે.

પહેલા રાજ્યના વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે અન્ય રાજ્યોમાં જવું પડતું હતું પરંતુ હવે અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને અન્ય રાષ્ટ્રના વિદ્યાર્થીઓ ગુજરાતમાં શિક્ષણ લેવા માટે આવે તેવું પરિવર્તન શિક્ષણ ક્ષેત્રે આવ્યું છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું કે, દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતના વિદ્યાર્થીઓને વિશ્વમાં સ્પર્ધા કરે તેવા સક્ષમ બનાવવાનું આયોજન કર્યું જેને અમારી સરકાર વ્યાપક બનાવી રહી છે.

છેલ્લા પાંચ વર્ષમાં મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલના સક્ષમ નેતૃત્વમાં સૌના સાથ, સૌના વિકાસ થકી વિકાસની ગતિ વધુ તેજ બની છે. ગુણવતાયુક્ત શિક્ષણની દિશામાં ગુજરાત આજે સમગ્ર દેશમાં અગ્રેસર છે.જ્ઞાન કુંજ પ્રોજેક્ટના માધ્યમથી સ્માર્ટ ક્લાસ દ્વારા ગામડાઓ સુધી ટેકનોલોજી આધારિત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાવનગર યુનિવર્સિટીનું નામ ભાવનગરના પ્રજાવત્સલ રાજા કૃષ્ણકુમારસિંહજીના નામ સાથે જોડીને તેમણે કૃષ્ણકુમારસિંહજીને ઉચિત સ્મરણાંજલિ અર્પી છે. રાજ્યમાં એક સમયે નવ યુનિવર્સિટી હતી.પરંતુ રાજ્ય સરકારના પ્રયત્નોને કારણે આજે રાજ્યમાં અનેક વિશિષ્ટ ક્ષેત્રોની યુનિવર્સિટીઓ કાર્યરત થઈ છે જેના દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ અનેક ક્ષેત્રોમાં નિપુણતા મેળવી રહ્યાં છે.

શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીએ આંકડાકીય વિશદ વિગતો આપીને જ્ઞાનકુંજ, નમો ઈ-ટેબ, શોધ પ્રોજેક્ટ,યુનિવર્સિટીઓના નેશનલ રેન્કિંગ, ઇનોવેશન, સ્ટાર્ટ અપ પોલીસી વગેરે અંગેની વિસ્તૃત છણાવટ કરીને શિક્ષણ ક્ષેત્રે આવેલાં આમૂલ પરિવર્તનની રૂપરેખા આપી હતી.

સરકારી ઈજનેરી કોલેજ ખાતે યોજાયેલા આ અંતર્ગતના એક કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણીએ સમાજ ઉત્થાન માટે રાજ્ય સરકારે કરેલા વિવિધ કાર્યોની ઝાંખી પ્રસ્તુત કરી હતી.

સરકારની યોજનાઓમાં રહેલી ઉણપો- ક્ષતિઓ નિવારી છેલ્લા ૨૫ વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા કરેલા કાર્યોની રૂપરેખા આપી  તેમણે રાજ્ય સરકાર દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે તેમજ શિક્ષણ સુધારણા માટે હાથ ધરાયેલા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી, બેટી બચાવો- બેટી વધાવો વગેરે કાર્યક્રમો ની વિશદ છણાવટ પણ કરી હતી.

તેમણે જણાવ્યું કે, વ્યક્તિવિશેષમાં રહેલી બુદ્ધિમત્તાનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે માટે શિક્ષણ ક્ષેત્રે અનેક નવા આયામો અમલમાં મૂકવામાં આવ્યા છે. જેના દ્વારા વિદ્યાર્થીઓની શક્તિનો ઉપયોગ કરી સમાજ સાથે રાષ્ટ્રનો વિકાસ થાય તે રીતે જ્ઞાનવર્ધક સમાજની રચના માટે વિશેષ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

અટલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા અન્ય એક કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી કેશુભાઇ નાકરાણીએ ભૂતકાળમાં શિક્ષણની કેવી સ્થિતિ હતી તેનું નિરૂપણ કરી આજે ગામે-ગામ પ્રાથમિક શાળા બની ચૂકી છે.ગામડામાં પણ કમ્પ્યુટર લેબ ઊભી થઈ ચૂકી છે. જેના દ્વારા ગામડાના વિદ્યાર્થીઓ પણ શહેરના વિદ્યાર્થીઓ સમક્ષ શિક્ષણ મેળવી તેમને સ્પર્ધા આપી રહ્યાં છે. તાલુકા કક્ષાએ પણ કોલેજ શિક્ષણની વ્યવસ્થા ઊભી થઈ ચૂકી છે તેની વિગતો આપી હતી.

ભાવનગર યુનિવર્સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં  શ્રીમતી કીર્તિબેન દાણીધરીયાએ જણાવ્યું કે, અગાઉ નાણાના અભાવે વિદ્યાર્થીઓ પીએચ.ડી. જેવાં ઉચ્ચ અભ્યાસ પર ધ્યાન કરી શકતાં ન હતાં પરંતુ રાજ્ય સરકાર દ્વારા એમની આ પરિસ્થિતિ ધ્યાનમાં લઇને ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. પીએચ.ડી. કરતાં વિદ્યાર્થીઓને બે વર્ષ માટે ચાર લાખ સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.

આમ, વિદ્યાર્થીઓ સરકારી યોજનાનો લાભ લઇ આગળ વધે અને તેઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની સાથે સમાજ અને દેશના વિકાસમાં યોગદાન આપે તેવી કામના તેમણે કરી હતી.

રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકારે પાંચ વર્ષમાં શૈક્ષણિક તેજસ્વીતા પ્રોત્સાહિત થાય એવા યશસ્વી કામો કર્યા છે તેવી લાગણી વ્યક્ત કરવાની સાથે સહુને આવકારતા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલયના કુલપતિશ્રી ડો. મહિપતસિંહ ચાવડાએ જણાવ્યું કે, રાજ્યને શિક્ષણમાં અગ્રેસર રાખવામાં વિશ્વવિદ્યાલયઘ અગત્યનું યોગદાન આપી રહ્યાં છે.રાજ્ય સરકારની વિવિધ વિધ્યોત્તેજક યોજનાઓનો લાભ આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ લઈ રહ્યાં છે અને તેના દ્વારા તેમણે અનેક સિદ્ધિઓ મેળવી છે.

તેમણે જણાવ્યું કે,નમો ઇ- ટેબ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અને શોધ યોજના એમ ત્રણ યોજના અંતર્ગત ભાવનગર યુનિવર્સિટીના કુલ ૪૫,૫૯૯ વિદ્યાર્થીઓને રૂ. ૩૪.૦૪  શિષ્યવૃત્તિ અને સહાયતા પ્રાપ્ત થઇ છે.

જેના દ્વારા વિદ્યાર્થીઓ દુનિયા સાથે કદમ મિલાવી શકશે પોતે આત્મનિર્ભર અને સ્વાવલંબી બની શકશે અને શોધ-સંશોધન વૃદ્ધિ કેળવીને દુનિયાના વિદ્યાર્થીઓ સાથે કદમ મેળવી શકશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને ટોકન રૂપે નમો ઇ -ટેબ અને શિષ્યવૃત્તિ સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યાં હતાં.

આ કાર્યક્રમોમાં  ડેપ્યુટી મેયરશ્રી કુમારભાઈ શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ લંગાળીયા, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી એમ.એ.ગાંધી, કલેકટરશ્રી યોગેશ નીરગુડે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. પ્રશાંત જિલાણી, ભાવનગર યુનિવર્સિટીના  કુલ સચિવશ્રી કૌશિકભાઈ ભટ્ટ,પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ, યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના ડીન,પદાધિકારીઓ સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.

#news #hindi #hindinews #newsinhindi #upnews #indianews #politics #DDBharati #DDBharatinews #Indiannews #newsdaily #khabar #tazakhabar #India #rajasthan #gujarat #newspaper #magzine #currentaffairs


No Of View On This News: